MISS U PAPA
માતા.... ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા... ઘરનું અસ્તિત્વ હોય છે,
પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ???
પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવામાં આવતું.
લેખકો-કવિઓએ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે.
સારી વસ્તુને માતાની જ ઉપમા આપવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી.
રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે.
પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ ????
બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે.
માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી.
પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણ કે નાના ભાઈ-બહેનોને સાચવવાના હોય છે, પોતાની માતા મૃત્યુ પામે તો પણ
પિતા રડી શકતા નથી. કારણ કે, બહેનને આધાર આપવાનો હોય છે.
પત્ની અડધે રસ્તે સાથ છોડીને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે.
જીજાબાઇએ શિવાજીને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનતને પણ ધ્યાનમાં લેવી જોઈએ.
દેવકી-યશોદાના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ.
રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.
પિતાના ઠેક-ઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે.
તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે, ”આપણાં નસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે ”.
તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા-દીકરીને નવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘો જ વાપરશે.
સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુનમાં જઈને બીલ કરશે પણ તેમના જ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડીને જ દાઢી કરી લેતાં હોય છે.
પિતા માંદા પડે ત્યારે તરત જ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી...
પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે, કારણ કે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.
પહોચ હોય કે ન હોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળકને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલે છે,પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તે જ તારીખે પરમીટ રૂમમાં પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેની જ મજાક ઉડાડે છે.
પિતા ઘરનું અસ્તિત્વ હોય છે.
જે ઘરમાં પિતા હોય છે, તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણ કે, ઘરના કર્તા-હર્તા જીવંત છે.
જો તેઓ કંઈપણ કરતા ન હોય તો પણ મહત્વના કર્તા-હર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુવે છે, સંભાળે છે.
માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધે જ અર્થ મળે છે. એટલે કે, પિતા હોય તો જ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે.
કોઈપણ પરીક્ષાનું પરિણામ આવે ત્યારે માતા જ સહુથી નજીકની લાગે. કારણ કે,
બાજુમાં લે છે, વખાણ કરે છે, આશિષ આપે છે, પણ....ગુપચુપ જઈને પેંડા-પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.
બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે.....પણ, હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને આમથી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.
કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે, પણ મરણના પ્રસંગે....પિતાએ જ જવું પડે છે.
પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ.. પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે, તો ભલે.. ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.
યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે... પિતા જ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે.
દીકરાની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક-ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરું ને ?
પિતાનું મહત્વ કોને સમજાય છે ?
******************
બાળપણમાં જ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડે છે.
તેને એક-એક વસ્તુ માટે તરસવું પડે છે.
પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે છે ઘરની દીકરી !!!
સાસરે ગયેલી કે ઘરથી દુર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાય છે.
કોઈપણ દીકરી પોતાની ઈચ્છા બાજુમાં મુકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજે પણ સમાજમાં નથી બનતા ?
દીકરી પિતાને ઓળખે છે, સાચવે છે...
બીજાઓ પણ પોતાને આ રીતે જાણે, ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ ?
આપણી પાસે તો થોડા ઉત્સવો છે, જેને ઉજવતી વખતે માતા-પિતાને યાદ કરી લઈએ.
તેમના પ્રત્યેનું ઋણ ચુકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ
અને, આપણા જ સંસ્કાર, ધર્મ, નાત-જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ આપીને યથા-શક્તિ પિતૃ તર્પણ કરીએ..
જો તમે એક પિતા હો તો તેનું ગૌરવ સમજજો!
पितृ देवो भवः।
----------------------------------------------------------------------- પ્રિય પપ્પા. પ્રિય પપ્પા........,
મમ્મીને ‘તું’ કહીને બોલાવું છું કારણકે ઈશ્વરને પણ ‘તું’ કહીને બોલાવું છું. પણ તમને તો ‘તમે’ જ કહીશ. કારણ કે, ‘તમે’ બહુવચન છે. ‘પપ્પા’ પણ બહુવચન છે. જો એકવચન હોત, તો આપણે ‘પપ્પા’ નહિ, ‘પપ્પો’ કહેતા હોત. આ દુનિયામાં આવ્યા પછી, જે પહેલો પુરૂષ મને મળ્યો, એ તમે હતાં. એટલે, મારા જીવતરના વ્યાકરણ માં તો, તમે હંમેશા ‘પહેલો પુરૂષ બહુવચન’ જ રહેવાના.
પપ્પા, તમે ફક્ત એક જણ નથી. મારું મિત્ર વર્તુળ, મારો સમાજ, મારો દેશ અને મારું આખું વિશ્વ તમારા માં રહેલું છે. મારા વિશ્વની ‘વસ્તી ગણતરી’ કરવા જાઉં તો, ફક્ત ‘પપ્પા’ નામ ના ‘ગ્રહ’ માં મારું આખું universe આવી જાય. મમ્મી ની વાત નથી કરતો કારણ કે ‘વસ્તી ગણતરી’ માં આપણે ઈશ્વર ની ગણતરી નથી કરતા.
પપ્પા, તમારા માં આટલા બધા લોકો રહેતા હોય, તો તો પછી તમને ‘તમે’ જ કેહવું પડે ને ! મંદિર શું કહેવાય ? એ તો બહુ મોડી ખબર પડી. બાળપણ માં, મને તો એમ જ હતું, કે ઈશ્વર ફક્ત ઘર માં જ રહે. મેં ભગવદ ગીતા વાંચી નથી, પણ તમને વાંચ્યા છે. જિંદગી કેમ જીવવી એવું તમે શીખવાડ્યું, એટલે તમે જ મારો ધાર્મિક ગ્રંથ છો. સાચું કહું, આમ તો, તમે જ મારો ધર્મ છો.
પપ્પા, હું નાનપણ માં મમ્મી ને પૂછતો કે ‘હું આ દુનિયા માં કેવી રીતે આવ્યો?’. ત્યારે મમ્મી મને કેહતી કે ઈશ્વરની પાસે નાના બાળકો ની દુકાન છે. એ દુકાન માં તમે અને મમ્મી ગયેલા અને ત્યાં રહેલા અસંખ્ય બાળકો માં થી, તમે મને પસંદ કર્યો. એટલે હું આ દુનિયા માં આવ્યો.
મોટા થયા પછી, આટલું બધું ભણ્યા પછી........... હવે મને મમ્મી ની વાત સમજાય છે કે મમ્મી જે કેહતી , એ જ સાચું હતું.
પપ્પા, હું તમારી દુનિયા માં આવ્યો, એની ઉજવણી તો તમે કરી લીધી, મારા જન્મ વખતે. પણ, તમે મને મળ્યા એની ઉજવણી મારે કરવી છે. બાળપણ માં જન્મદિવસની ઉજવણી વખતે હું ‘મીણબત્તી’ ઓલવી ને, કેક કાપતો ત્યારે તમે અને મમ્મી તાળીઓ પાડતા. ત્યારે હું કેટલો નાદાન હતો ? મને તો એ પણ ખબર નહોતી કે ઉજવવા જેવી ઘટના તો મારી બાજુ માં હતી. ACTUALLY, તે સમયે ફૂંક જન્મ દિવસ ને મારવાની હતી અને ઉજવણી તમારી કરવાની હતી.
પપ્પા, મને જન્મ આપવાનું સુખ તમને મળ્યુ નથી. એ CREDIT તો મમ્મી લઇ ગઈ. પણ એ એક ‘પુણ્ય’ ગુમાવવા છતાં, તમે કેટલું બધું COMPENSATE કરી લીધું છે, એવી ઈશ્વરને ખબર પડી જાય, તો મારા NEXT BIRTH વખતે નક્કી, તમે જ મને જન્મ આપશો. પપ્પા, તમે મને જન્મારો આપી શકો, તો જન્મ કેમ નહિ ?
પપ્પા, તમે ક્યારેય કેહતા નથી કે તમે કેટલો પ્રેમ કરો છો. તો ય, સાલી મને ખબર પડી જાય છે. પપ્પા, તમે ફોન ઉપર ફક્ત ‘બે મિનિટ’ વાત કરો છો, તો પણ એવું લાગે છે જાણે હું આજે પણ તમારા ખભ્ભા ઉપર બેસી, તમને સાંભળુ છું.
પપ્પા, મેં અત્યાર સુધી ખૂબ જ સારી દુનિયા જોઈ છે. કારણ કે, આ દુનિયા, મેં તમારા ખભ્ભા ઉપર બેસી ને જોઈ છે. તમે જે રીતે લોકોને જુઓ છો, એ જ દ્રષ્ટિ, તમે મને વારસા માં આપી છે. તમે આપેલી દ્રષ્ટિ માં, દૂર દૂર સુધી, એક પણ ખરાબ જણ દેખાતું નથી. પપ્પા, આ દુનિયા સારી છે કારણ કે, તમે મને મારા પહેલા જન્મદિવસે ભેંટ માં આપેલી દ્રષ્ટિ પણ સારી છે. તમે જ કહો છો, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ.
પપ્પા, મને એમ હતું કે મારા જીવન ના કપરા સમય માં, તમે મારી સાથે ચાલશો. પણ, તમે મારી સાથે ચાલ્યા નહી. તમે તો, મને ઊંચકી ને, એકલા જ ચાલ્યા.
આજે પણ તમારા પર મને એટલો જ વિશ્વાસ છે જેટલો નાનપણ માં હતો, જયારે તમે મને હવા માં ઉછાળતા અને હું નીચે આવું ત્યારે પકડી લેતાં. મને વિશ્વાસ છે, કે તમે આજે પણ મને પડવા દેશો નહિ. અને કદાચ, પડું પણ ખરો...... તો મને પડ્યો રહેવા દેશો નહિ.
પપ્પા, તમે ઈશ્વર નથી. કારણ કે, ઈશ્વર ક્યારેય દેખાતા નથી. પપ્પા, તમે ઈશ્વર નથી કારણ કે ઈશ્વર હંમેશા મારી દરેક ઇચ્છાઓ પુરી નથી કરતા. ઈશ્વર ક્યારેય મારી બાજુ માં બેસી ને, મને સમજાવતા નથી. મારા ખભ્ભા ઉપર હાથ રાખી ને, ‘હું તારી સાથે છું’ એવું ઈશ્વર તો કયારેય બોલતા નથી. તો પછી, તમે ઈશ્વર કેવી રીતે ?
ઈશ્વર ને રોજ મારી ચિંતા નથી થતી. ઈશ્વર તો મારી વાત ન પણ સાંભળે પણ તમે તો હંમેશા મારી વાત સાંભળો છો. તો તમે ઈશ્વર કેવી રીતે ?
હું બોલાવું, તો ઈશ્વર ‘મંદિર’ માં સાવ નવરા હોવા છતાં પણ મંદિર છોડી ને મારી પાસે આવતા નથી. તમે તો ‘ઓફીસ’ નું આટલું કામ પડતું મૂકી ને પણ મારી પાસે આવી જાવ છો. તો તમે ઈશ્વર કેવી રીતે ?
પપ્પા, તમે ઈશ્વર નથી. કારણ કે ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે. તમે તો ફક્ત સુખ જ આપો છો..