Dropdown Setting

ચાલતી પટ્ટી

"જીવનમાં સૌથી વધુ ખુશી એ કામ કરતી વખતે થાય છે કે જેના માટે લોકો કહેતા હોય કે આ આ કામ તુ નહી કરી શકે."* * You Are Responsible For You

June 16, 2019

પિતા એટલે પિતા !!!

પિતા શબ્દ સાંભળતા જ મારા મનમાં ઘેઘૂર વડલાનું ચિત્ર ઉપસી આવે છે. એક એવો વડલો કે જેના મૂળ જમીનમાં ઊંડે સુધી, ખૂબ ઊંડે સુધી મજબૂતાઈથી જડાયેલા હોય.એની ઘાટી ઘેઘૂર છાંયામાં પરિવાર પાવન નિશ્રા માણતો હોય.

પિતા એટલે શું ? પિતા એટલે વહેલી સવારે ઘરના બે છેડા ભેગા કરવા માટે કાળી મજૂરી કરવા નીકળી પડતું ચરિત્ર. થાકીને આવવા છતા ઘરનો થાક ઉતારી દેતું વ્યક્તિત્વ. એક રીતે કહીએ તો ઘરનો મોભ. મકાનને ઘર બનાવી ધબકતું રાખનાર કોઈ હોઈ તો એ પિતા છે. પિતા પરિવાર માટે સપનાઓ જુએ છે, વાવે છે અને ઉગાડે છે. આપણા સપના જ્યાં સોડ તાણીને સૂઈ શકે છે એવી જગ્યા એટલે પિતા.પાંખો અને આકાશ બંને જે આપે છે એ પિતા છે.


એનું મૂલ્ય જેટલું આંકીએ એટલું ઓછું છે. પિતા વિનાનું ઘર ખાંડ વિનાની મોળી ચા જેવું ફિક્કુ હોઈ છે. પિતાની હાજરી માત્રથી ઘર ધબકતું હોઈ છે. બીજી રીતે કહીએ તો પિતા ઘર માટે મીઠાં જળનો સ્વયંભૂ પ્રગટેલો પાતાળિયો કૂવો હોઈ છે.


પિતાના કારણે ઘરમાં કલરવ હોય છે. પિતાના કારણે ઘરમાં ખુશીઓ નિવાસ કરતી હોય છે. બાની આંખોમાં રહેલી ચમક પિતાને આભારી જ હોય છે. પિતા ઘરનું અજવાળું છે. પિતા વિનાના ઘરની કલ્પના ભલભલાને ધ્રુજાવી દે છે. ગરીબ કે તવંગર, ખેડૂત કે વેપારી, મજૂર કે માલિક, દરેક સ્વરૂપમાં પિતા અણમોલ હોઈ છે. પિતા જ આપણને સૌ પ્રથમ આંગળી પકડીને ઘરની ડેલીથી શેરી તરફ દોરીને લઈ જતા હોઈ છે. પિતા દરેક પ્રકારે આપણી કાળજી રાખે છે. એ આપણને હસાવે છે. આપણી દરેક માંગણી પૂરી કરવા એ રાત-દિવસ એક કરે છે. માંગો એ વસ્તુ ત્રેવડ હોઇ કે ન હોઈ, હાજર કરવા થનગનતો જીવ એટલે પિતા. જીવન જીવવાની કલા આપણે પિતા પાસેથી જ શીખીએ છીએ.

એ આપણા માટે તબડક તબડક ઘોડો બને છે. આંગળી પકડીને એ આપણને સ્કૂલ સુધી લઈ જાય છે. આપણા માટે એ રમકડાં અને ખાવાનું લઈ આવે છે. રાત્રે થાકીને આવ્યા પછી પણ પિતા જ્યારે આપણને પોતાના ખોળામાં બેસી કાલાવાલા કરતા જુએ છે ત્યારે સઘળાં સુખો આવી મળ્યાં હોઈ એવા આનંદની એને અનુભૂતિ થાય છે. રાત્રે બીક ન લાગે એટલે આપણે એમને ચોંટીને સૂઈ જઈએ છીએ.પછી કોઈ ભૂત કે બાવો આપણા સપનામાં આવવાની હિંમત નથી કરતો.



પિતા આપણને મેળામાં મહાલવા લઈ જાય છે. ચકડોળની સેર કરાવે છે. પ્રવાસમાં જવાના પૈસા ભરવા સ્કૂલે આવતા પપ્પા આપણા માટે વહાલની ચરમસીમા બની જાય છે. આપણે જ્યારે બીમાર પડી જઈએ છીએ ત્યારે એ આકુળ-વ્યાકુળ થતી માતાને હિંમત આપે છે. આપણને વઢીને પણ જ્યારે પપ્પા કડવી દવા પાય છે ત્યારે થોડાં સમય માટે પપ્પા સારા નથી લાગતા.સગવડ હોઈ કે ન હોઈ, આપણા સુખ માટે એ બધું જ કરે છે.આપણા માટે એ રાત-દિવસ એક કરી ભારે શ્રમ કરે છે.પોતાના આરોગ્ય સુધ્ધાને આપણી ખુશીઓ માટે પપ્પા દાવ પર લગાવી દે છે.
પપ્પા આપણને મોંઘી બૂકો લાવી આપે છે. માંગીએ ત્યારે સાઈકલ લઈ દે છે, બાઈક લઈ દે છે અને કાર લઈ દે છે. માથાના વાળ જેટલું કરજ કરીને એ આપણને ભણાવે છે.આપણામાં એ એની સઘળી ઇચ્છાઓને આરોપિત કરે છે. પિતા આપણા માટે તમામ પડકારો સામે ઝઝૂમે છે. એનો પ્રત્યેક શ્વાસ આપણા માટે શ્વસતો હોય છે.પરિવારરૂપી વર્તુળનું કેંદ્રબિંદુ એટલે પિતા.કદાચ સમગ્ર વિશ્વમાં પિતા જ એકમાત્ર એવા વ્યક્તિ હોઈ છે કે જે બચપણથી આપણે યુવાન થઈએ ત્યાં સુધી આપણને સલાહ આપવાનું કામ કરે છે અને પછીથી કાયમ આપણી પાસેથી સલાહ લીધા કરે છે. આપણને લખોટી અને ભમરડાની દોરી લાવી આપનાર પપ્પા આપણા સંતાનોને પણ રમકડાં લાવી આપે છે.



ઘરમાં કોઈ આર્થિક સંકડામણ હોય, કોઈ મુશ્કેલી હોય તો છાના ખૂણે બા સાથે ચર્ચા કરી બાને હિંમત અને સાંત્વના આપી એકલા એકલા કોઈ જોઈ ન જાય એ રીતે આંખના ભીના ખૂણાને લૂછીને કામે વળગી જાય એ પિતા હોય છે. દીકરાના લગ્ન હરખભેર સંપન્ન કરવા ગજા બહારનું જોર લગાવતા પિતાને કોણ નથી ઓળખતું ? મંડપમાં અને જાનમાં હરખઘેલા થઈ મહાલતા પિતા જ્યારે દીકરો પરણીને ઘેર આવે છે ત્યારે જગતના સૌથી વધુ સુખી વ્યક્તિ હોવાનો સંતોષ લે છે.બીજા દિવસે લગ્નનો તમામ હરખ ખીંટીએ ટીંગાડી માથે કરેલું દેવું જલદી ભરપાઈ થાય એ માટે આ જ પિતા કામે ચડી જાય છે.સુખનો રોટલો ખાતા પરિવારમાં વાસણ ખખડવાની ઘટનાઅો જ્યારે વેગ પકડે છે ત્યારે આ જ પિતા પત્નીને છાને ખૂણે સમજાવી, પીડાને સાતમે પાતાળ સંતાડી દીકરા-વહુને અણસાર ન આવે એ રીતે જુદો ચૂલો શરું કરાવે છે.પોતાના વળતા પાણી થયાનો અહેસાસ થવા લાગતા જ પિતા દીકરા-વહુને શાંતિની ઝંખના માટે પોતાનાથી અલગ કરી દે છે.

ધીરે ધીરે પિતા પોતાનું શરીર નાના મોટા રોગોનું ઘર બને છે એ ઘટનાના સાક્ષી બને છે.ખૂબ જ લાડ લડાવી મોટી કરેલી દીકરીને સાસરે વળાવતી વખતે ઘરના મોભ સરીખા પિતા ઢગલો થઈ જાય છે.ધ્રુસકે ધ્રુસકે રડતા બાપનું આક્રંદ કાળજાના કટકાને અળગો કરવાની વેળાએ નોઁધારુ થતું હોઈ એવું લાગે છે.ઘરના આંગણાને દીકરી વિહોણું જોનાર પિતા ત્યારે વધુ ભાંગી જાય છે, જ્યારે એના જીવનમાંથી બાની બાદબાકી થઈ જાય છે.બા જતાં બાપા પાયા વિનાની ખુરશી જેવા બનીને રહી જાય છે.અસ્તિત્વના અસ્તાચળે પહોંચતા સમયે પણ પિતા પ્રત્યેક પરિસ્થિતિમાં પોતાના પરિવારરૂપી માળાના મણકાને પરોવી રાખનાર ધાગા સમાન છે.



સર્વ પ્રકારના સુખો અને દુ:ખોમાં ઊભા રહેતા પિતાના ચહેરા ઉપર અંકિત થયેલ અનુભવની રેખાઓ સંતાનો માટે પથદર્શક બની રહેતી હોઈ છે.પિતા આપણને સારા નરસાનું જ્ઞાન આપે છે.એ આપણને જીવનના ઝંઝાવાતો સામે ટકી રહેવાનું બળ પૂરું પાડે છે.મુશ્કેલીઓ સામે બાથ ભીડવાનું આપણે એમની પાસેથી જ શીખીએ છીએ.ચકી અને ચકાની વાર્તાથી માંડી જીવનબોધ આપતી વાર્તાઓ કરી પિતા આપણા જીવનનું પોત બાંધે છે.

ઘરમાં તમામ સુખ સગવડો પૂરી પાડવા મથતા પિતાના મનમાં એક જ મનસૂબો હોઈ છે કે મારા બાળકો અને મારો પરિવાર સુખી થાય.ક્યારેક પિતા આપણને રુક્ષ લાગે. ક્યારેક એમનું વ્યક્તિત્વ કાળમીંઢ પથ્થર જેવું પણ લાગે.પણ, આ બધાની વચ્ચે એમના હૃદયમાં સંગ્રહાયેલી લાગણી અને આપણા પ્રત્યેના ભાવ તરફ નજર નાંખવામાં આવે તો આપણને પિતાની રુક્ષતા અને કઠોરતા પાછળની કોમળતાના દર્શન થયા વિના ન રહે.



ટૂંકમાં થોડામાં ઘણું કહેવું હોઈ તો પિતા એટલે આકાશ.પિતા એટલે પિતા.બાનો પા ભાગ નહીં, પણ સવા પાંચ બા એટલે પિતા.

Happy Father's day...... Be blessed from ur pa......I miss a lot my father ....