Dropdown Setting

ચાલતી પટ્ટી

"જીવનમાં સૌથી વધુ ખુશી એ કામ કરતી વખતે થાય છે કે જેના માટે લોકો કહેતા હોય કે આ આ કામ તુ નહી કરી શકે."* * You Are Responsible For You

September 3, 2022

એક શિક્ષક નું સન્માન

*શિક્ષકનું સન્માન* 
એક રાજાને એવો વિચાર આવ્યો કે મારે મારા રાજ્યના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર વ્યક્તિનું સન્માન કરવું છે. રાજાએ આ માટે પ્રધાનમંડળની બેઠક બોલાવી. રાજાએ પ્રધાનોનું સુચન માંગ્યું કે મારે કોનું સન્માન કરવું જોઈએ ?

એક પ્રધાને ઉભા થઈને કહ્યું , "આપણે સાહિત્યકારનું સન્માન કરવું જોઈએ કારણકે એ વિચારો દ્વારા આપણને બધાને જીવન જીવતા શીખવે છે". બીજા પ્રધાને કહ્યું, "આપણે કલાકારનું સન્માન કરવું જોઈએ કારણકે એ આપણને મનોરંજન પૂરું પાડીને હતાશામાંથી બહાર કાઢે છે". ત્રીજા પ્રધાને કહ્યું, "આપણે ઇજનેરનું સન્માન કરવું જોઈએ કારણકે એના લીધે જ આટલો વિકાસ થયો છે આ રસ્તાઓ, ડેમો, મોટામોટા મકાનો, જાત જાતના યંત્રો અને ભૌતિક સુવિધાઓ ઇજનેરના કારણે જ મળી છે". ચોથાએ કહ્યું, "આપણે ડોકટરનું સન્માન કરવું જોઈએ કારણકે એ નવું જીવન આપે છે". પાંચમા પ્રધાને કહ્યું," મારા મંતવ્ય મુજબ તો ઉદ્યોગપતિનું સન્માન થવું જોઈએ કારણકે એના કારણે જ અનેકને રોજગારી મળે છે અને રાજ્યને આવક પણ મળે છે".

બધા પ્રધાનોના જુદા જુદા સુચન સાંભળીને રાજા મૂંઝાયા. આ બધા લોકોનો ખરેખર રાજ્યના વિકાસમાં અદભૂત ફાળો હતો એટલે કોનું સન્માન કરવું એ મોટી મૂંઝવણ હતી. રાજાએ રાજ્યના સૌથી અનુભવી અને વડીલ પ્રધાનને એમનો અભિપ્રાય આપવા માટે જણાવ્યું જે હજુ સુધી મૌન બેસીને બધાની વાત સાંભળી રહ્યા હતા. સિનિયર પ્રધાને કહ્યું,"મહારાજ, આ માટે આપે મને એક કલાકનો સમય આપવો પડે. હું એક કલાક બહાર જઈને આવું પછી મારો અભિપ્રાય આપું". રાજાએ આ માટે અનુમતિ આપી.

રાજ્યના સૌથી વડીલ પ્રધાન સભા છોડીને જતા રહ્યા અને કલાક પછી ફરી પાછા આવ્યા. એમની સાથે કોઈ વૃદ્ધ સ્ત્રી પણ હતી. વૃદ્ધ સ્ત્રીને જોતાંજ સભામાં બેઠેલા મોટાભાગના પ્રધાનોના ચહેરા પર સ્મિત આવ્યું. આ બધા પ્રધાનો એમની જગ્યા પરથી ઉભા થયા અને પેલી વૃદ્ધ સ્ત્રીને પગે લાગ્યા. રાજાને પણ આશ્વર્ય થયું કે હું બધાને પગાર આપું છું પણ કોઈ પ્રધાન મને પગે લાગતા નથી અને આ સ્ત્રીને કેમ પગે લાગ્યા ?" રાજાએ પ્રધાનોને આ સ્ત્રી કોણ છે એમ પુછતાં જ બધા પ્રધાનોએ જવાબ આપ્યો, "રાજા સાહેબ, આ અમારા શિક્ષિકાબેન છે અમે આ બહેન પાસે ભણેલા છીએ. આજે અમે જે કઈ પણ છીએ એ આ બહેને આપેલા જ્ઞાનને કારણે જ છીએ".

રાજાએ સિનિયર પ્રધાનની સામે જોઈને પૂછ્યું,"મને સમજાઈ ગયું કે રાજ્યના વિકાસમા સૌથી અગત્યનું યોગદાન કોનું છે ? સાહિત્યકાર, કલાકાર, ઈજનેર, ડોકટર કે ઉદ્યોગપતિ આ બધાનો રાજ્યની સુખાકારીમાં અમૂલ્ય ફાળો છે પણ આ બધાને ઘડવાનું કામ શિક્ષક કરે છે માટે શિક્ષકના સન્માનમાં આ તમામનું સન્માન આવી જાય".

મિત્રો, આજે આપણે બધા જે કંઈ છીએ એમાં આપણા પુરુષાર્થની સાથે શિક્ષકની પ્રેરણા પણ જવાબદાર છે. શિક્ષક સમાજને ઘડાવાનું કામ કરે છે.

સર્વે શિક્ષકો (ગુરુદેવો) ને કોટિ કોટિ વંદન 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻