Dropdown Setting

ચાલતી પટ્ટી

"જીવનમાં સૌથી વધુ ખુશી એ કામ કરતી વખતે થાય છે કે જેના માટે લોકો કહેતા હોય કે આ આ કામ તુ નહી કરી શકે."* * You Are Responsible For You

January 27, 2020

તેત્રીસ જિલ્લાનું ગીત*

*તેત્રીસ જિલ્લાનું ગીત*
(રાગ...જનનીની જોડ સખી....)

તેત્રીસ જિલ્લાનું ગીત સાંભળો રે લોલ,
     એવા ગરવા ગુજરાતનું સંગીત રે...તેત્રીસ.

નવસારી થઈને ડાંગ પૂર્વમાં રે લોલ,
    એવા વલસાડને વાડીઓની પ્રીત રે...તેત્રીસ.

સુરત કહેવાય સોનાની મૂરત  રે લોલ,
    એવા તાપી વહેણ પ્રવાહિત  રે....તેત્રીસ.

નર્મદા ભરૂચનો  ભાઈબંધ  રે લોલ,
     એવા વડોદરામાં સંસ્કારની રીત રે..તેત્રીસ.

છોટા ઉદેપુર છે મધ્યમાં રે લોલ,
     એવા મહિસાગર મનનું છે મીત રે..તેત્રીસ.

દાહોદ ભૂમિ છે ઊગતા સૂર્યની રે લોલ,
     એવા પંચમહાલે પાવાગઢ સ્થિત રે...તેત્રીસ.

'અમૂલ' આણંદની ઓળખ છે રે લોલ,
     એવા ખેડામાં ભર્યું ખુમારિત  રે...તેત્રીસ.

ગાંધીનગર વડું મથક  છે રે લોલ,
     એવા  અમદાવાદની પોળો અગણિત રે..તેત્રીસ.

સાબરકાંઠા છે સોહામણું રે લોલ,
      એવા અરવલ્લીની ઘાટી અજીત રે....તેત્રીસ.

પાટણનું પટોળું વખણાય છે  રે લોલ,
     એવા મહેસાણા છે મનનું મંજીત રે...તેત્રીસ.

બનાસકાંઠા છે ઓતરાદિશમાં રે લોલ,
      એવા કચ્છનું રણ છે ચકચકિત રે...તેત્રીસ.

'તરણેતરિયો મેળો' સુરેન્દ્રનગરે રે લોલ,
      એવા ઘડિયાળ મોરબીના અવનવિત રે..તેત્રીસ.

દરિયાઈ અભ્યારણ જામનગરે  રે લોલ,
     એવા દ્વારકા છે દેવભૂમિ કથિત રે...તેત્રીસ.

'ગાંધી' પોરબંદરે અવતર્યા રે લોલ,
      એવા રાજકોટ એ કાઠિયાવાડનું હિત રે. ...તેત્રીસ.

જૂનાગઢ ઊભો અભિગમ છે રે લોલ,
     એવા ગીર સોમનાથ સિંહનું વસાહિત રે..તેત્રીસ.

લાઠી કલાપીનું ગામ છે રે લોલ,
      એવા અમરેલીની અલગ રીત-પ્રીત રે...તેત્રીસ.

બોટાદ બોટાદકરનું ધામ છે રે લોલ,
     એવા ભાવનગરના ગાંઠિયા મોહિત રે....તેત્રીસ.

વહાલથી ગૂંથેલો આ હારલો રે લોલ,
     એવા ગુણિયલ ગુજરાતનું નવનીત રે....તેત્રીસ.

💐રચયિતા:પ્રવીણભાઈ  બી.પટેલ.
            શિક્ષક
નગર પ્રાથમિક મિશ્રશાળા નં. 2,નવસારી.