અવાજ અને હવાના પ્રદૂષણની વિપરિત અસરો સામે જાગૃતિ લાવવા માટેના અભિયાનમાં આજકાલ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. તહેવારને અવાજ અને પ્રદૂષણ મુક્ત બનાવવા કેટલીક સરકારોએ ઝુંબેશ ચલાવી છે. તામિલનાડુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે 125 ડેસિબલથી વધારે અવાજ ધરાવતા ફટાકડાઓના ઉત્પાદન પર પ્રતિબંધ મૂક્યો છે.[૧૩] યુપી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે પ્રકાશ રેલાવતા ફટાકડાઓમાં ધુમાડાનું પ્રમાણ વધારે હોય છે. SO2 (સલ્ફર ડાયોક્સાઈડ) અને RSPM (રેસ્પીરેબલ સસ્પેન્ડેડ પર્ટીક્યુલર મેટર)નું સ્તર દિવાળીના દિવસે થોડુક વધારે જોવા મળ્યુ હતું. સલ્ફર અને કાગળનો મોટા જથ્થામાં ઉપયોગ કરતા ફટાકડા હવામાં સલ્ફર ડાયોક્સાઈડ અને કોલસી ફેંકે છે તથા પારો અને અન્ય ધાતુના તત્વો પણ હવામાં ભળી જાય છે, જેના લીધે શ્વસનતંત્રની સમસ્યાઓ ઉભી થાય છે. આ તથ્યોને ધ્યાનમાં રાખીને શાંત ક્ષેત્રો એટલે કે હોસ્પિટલ, શાળાઓ અને કોર્ટ જેવા વિસ્તારોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે.