Dropdown Setting

ચાલતી પટ્ટી

"જીવનમાં સૌથી વધુ ખુશી એ કામ કરતી વખતે થાય છે કે જેના માટે લોકો કહેતા હોય કે આ આ કામ તુ નહી કરી શકે."* * You Are Responsible For You

November 14, 2015

જવાહરલાલ નેહરુ નુ જિવન ચરીત્ર

નેહરુનો જન્મ સ્વરૂપ રાણી અને સમૃદ્ધ બૅરિસ્ટર મોતીલાલ નેહરુને ત્યાં સૌથી મોટા પુત્ર તરીકે, અત્યારે ઉત્તરપ્રદેશ રાજયમાં આવેલા અલ્હાબાદ શહેરમાં થયો હતો. નેહરુ કુટુંબ મૂળે કાશ્મીરી બ્રાહ્મણ હતું. ઘણાં વર્ષો પહેલાં મોતીલાલ નેહરુ ત્યાંથી અલ્હાબાદ સ્થળાંતરિત થયા હતાં અને ત્યાં પોતાની સફળ કાયદાકીય કારકિર્દી જમાવી હતી. તેઓ ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસની આગેવાનીમાં આકાર લેતી, એ વખતે અપરિપકવ એવી ભારતીય રાષ્ટ્રીય ચળવળના પણ સક્રિય સભ્ય હતા. નેહરુ અને તેમની બે બહેનો- વિજયાલક્ષ્મી અને ક્રિષ્ના-નો ઉછેર એક વિશાળ બંગલા, આનંદભવનમાં થયો હતો અને વિશેષ કરીને અંગ્રેજી રીતભાત અનુસાર થયો હતો, અને પાછળથી તેમને આવશ્યક ભારતીય રીતભાત શીખવવામાં આવી હતી. તેમને હિન્દી, સંસ્કૃત તથા ભારતીય સાહિત્ય પણ શીખવવામાં આવ્યું હતું.

પોતાનો દીકરો ભારતીય સરકારી નોકરી માટે યોગ્યતા પ્રાપ્ત કરે તેવી તેમની ઇચ્છા હતી એટલે તેમણે યોગ્ય સમયે યુવાન જવાહરલાલને ઈંગ્લૅન્ડના હૅરોમાં મોકલ્યા. જવાહરલાલનું મન દેખીતી રીતે હૅરો ખાતે ભણતરમાં ન લાગ્યું, તેમને શાળાનો અભ્યાસ કઠણ, ગૂંગળાવનારો અને ઘરથી દૂર, વિખૂટા પડી ગયાની લાગણી અસહ્ય લાગી. છતાં, શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી 1907માં નેહરુએ કેમ્બ્રિજ માટે પ્રવેશ પરીક્ષા આપી અને કુદરતી વિજ્ઞાન ભણવા માટે ટ્રિનિટી કૉલેજમાં ગયા. પોતાની કૅમ્બ્રિજની આ ટ્રાઈપૉસમાં જવાહરલાલ દ્વિતીય ક્રમે ઉત્તીર્ણ થયા અને 1910માં સ્નાતક થયા.યુનિવર્સિટીના પ્રખ્યાત ઉદાર વાતાવરણે તેમને અનેક અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે બળ આપ્યું અને તેમના સામાન્ય બાહ્ય દેખાવ પર પણ તેનો મહત્ત્વનો પ્રભાવ રહ્યો. એ પછી ઑકટોબર 1910માં તેઓએ પોતાનો કાયદાનો અભ્યાસ આગળ વધારવા માટે ઈનર ટેમ્પલમાં પ્રવેશ માટે નામ નોંધાવ્યું. હૅરો ખાતે કેમ્બ્રિજ યુનિવસિર્ટીમાં અભ્યાસ કરવા જવાનો નિર્ણય પાછળ જવાહરલાલને કાયદાના અભ્યાસ માટેનું આકર્ષણ જવાબદાર નહોતું, એ માત્ર પિતાની આજ્ઞાનું પાલન હતું. 1912માં જવાહરલાલે પોતાની અંતિમ પરીક્ષા ઉત્તીર્ણ કરી અને એ વર્ષે પાછળથી તેમને ઈનર ટેમ્પલ ખાતેના બારમાં આમંત્રણ આપવામાં આવ્યું. થોડા જ વખતમાં તેઓ પોતાનો વકીલાતનો ધંધો જમાવવા માટે ભારત પાછા ફર્યા.

જો કે, થોડા જ વખતમાં તેઓ રાજકારણમાં, ખાસ કરીને કૉંગ્રેસની આગેવાની હેઠળ ભારતની સ્વતંત્રતા ચળવળમાં ડૂબી ગયા. 1919માં અમૃતસરના જલિયાંવાલા બાગમાં અંગ્રેજોએ વિરોધીઓની જે કત્લેઆમ કરી તેનાથી રોષે ભરાયેલા નેહરુ સંપૂર્ણ રીતે સ્વતંત્ર ચળવળમાં જોડાઈ ગયા અને પોતાની બધી જ ઊર્જા તેમાં રેડવા માંડ્યા. શરૂઆતમાં જો કે પોતાના દીકરાના રાજકીય દષ્ટિકોણો બાબતે મોતીલાલને સંશય રહેતો પરંતુ પછી તેઓ પણ ભારતની સ્વતંત્રતા માટે કૉંગ્રેસે છેડેલા આ નવા પ્રયત્નોમાં જોડાઈ ગયા હતા.નેહરુએ ઉત્તરોત્તર પ્રગતિ કરીને ગાંધીજીના વિશ્વસનીય લેફટેનન્ટનું સ્થાન મેળવ્યું. તેમણે ઉપાડેલા વિરોધોના પરિણામે, અલબત્ત તે સંપૂર્ણ અહિંસક હતા, તેમણે પોતાના જીવન દરમ્યાન કુલ નવ વર્ષ જેલવાસ વેઠવો પડ્યો. પોતાના જેલવાસ દરમ્યાન નેહરુએ "ગ્લિમપ્સીઝ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી" (1934), પોતાની "આત્મકથા" (1936), અને "ધ ડિસ્કવરી ઓફ ઈન્ડિયા" (1946) લખ્યાં. ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની વધતી જતી પ્રતિષ્ઠા ઉપરાંત આ પુસ્તકોએ તેમને એક ઉત્તમ લેખક તરીકેની નામના પણ રળી આપી. 1929માં પહેલી વાર, લાહોર સત્ર વખતે તેમણે ગાંધીજીના માર્ગદર્શન હેઠળ ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસનું સુકાન સંભાળ્યું હતું. ત્યારબાદ ફરીથી 1936, 1937, અને છેલ્લે 1946માં તેઓ કૉંગ્રેસના પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા હતા. 1946માં ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની રાજકીય પ્રતિષ્ઠા બીજા કોઈથી નહીં પણ માત્ર એક ગાંધીજીથી જ ઊતરતી માનવામાં આવતી એવા મુકામે તેઓ પહોંચ્યા હતા.

ફેબ્રુઆરી 8, 1916માં તેઓએ કાશ્મીરી બ્રાહ્મણ કમલા કૌલ સાથે લગ્ન કર્યાં. તેમને એક દીકરી હતી, ઈન્દિરા પ્રિયદર્શિની, જે પાછળથી ઈન્દિરા ગાંધી તરીકે જાણીતા બન્યા હતાં. કમલા નેહરુ પણ જાતે ભારતની સ્વતંત્રતા ચળવળના સક્રિય સહભાગી હતા, પરંતુ 1936માં તેઓ ક્ષયરોગથી અવસાન પામ્યા. ત્યારબાદ નેહરુએ બાકીનું જીવન એકલા જ વીતાવ્યું. જો કે, 1946થી તેમની સાથે એડવિના માઉન્ટબેટન, ભારતની વાઈસરાઈનનું નામ સાંકળતી અફવાઓ જરૂર સાંભળવા મળતી હતી. તેમના જીવનના ઉત્તરાર્ધમાં તેઓ ઘણા અંશે પોતાની દીકરી અને બહેન, વિજયાલક્ષ્મી પંડિત પર આધારિત રહ્યા હતા....UB