જવાહરલાલ નેહરુ (હિંદી: जवाहरलाल नेहरू, 14 નવેમ્બર 1889 - 27 મે 1964) ભારતના સૌથી પહેલા અને અત્યાર સુધી સૌથી લાંબો શાસનકાળ ધરાવતા વડાપ્રધાન હતા, વડાપ્રધાન તરીકે તેઓએ 1947થી 1964 સુધી સેવા આપી હતી. કૉંગ્રેસ પક્ષે ભારતની સ્વતંત્રતા ચળવળમાં આગળ પડતી ભૂમિકા નિભાવનાર નેહરુને સ્વતંત્ર ભારતના સૌથી પહેલા વડાપ્રધાન તરીકેની જવાબદારી નિભાવવા માટે ચૂંટી કાઢયા હતા અને ત્યારબાદ કૉંગ્રેસ 1952માં ભારતની પહેલી લોકસભાની ચૂંટણીમાં જિતાઈ આવી હતી, ત્યારે તેઓ ફરીથી વડાપ્રધાનપદે નિયુકત થયા હતા. નોન-અલાઈન્ડ ચળવળના સ્થાપકોમાંથી એક હોવા ઉપરાંત તેઓ યુદ્ધ પછીના ગાળામાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ મહત્ત્વની વ્યકિત રહ્યા હતા. ભારતમાં પંડિતજી (જી- આદરવાચક પ્રત્યય) અને બહાર પંડિત નેહરુ ("પંડિત", સંસ્કૃત, "વિદ્વાન" માટે વપરાતો સન્માનદર્શક શબ્દ) તરીકે તેમનો ઉલ્લેખ કરવામાં આવતો હતો.
સમૃદ્ધ ભારતીય બૅરિસ્ટર અને રાજકારણી, મોતીલાલ નેહરુના પુત્ર હોવાના નાતે નેહરુ પ્રમાણમાં ઘણી યુવાન વયે ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસની ડાબી પાંખના નેતા બની ગયા હતા. મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ બ્રિટિશ સામ્રાજયમાંથી સંપૂર્ણ સ્વરાજની હિમાયત કરતા નેહરુ એક પ્રભાવશાળી અને ક્રાંતિકારી નેતા હતા, જે ધીમે ધીમે કૉંગ્રેસના પ્રમુખપદ સુધી પહોંચ્યા હતા. ભારતની લાંબી, સંઘર્ષપૂર્ણ સ્વતંત્રતા ચળવળમાં, તેઓ એક ચાવીરૂપ, મહત્ત્વની વ્યકિત રહ્યા હતા અને ધીમે ધીમે ગાંધીના રાજકીય વારસ તરીકે ઓળખાવા માંડ્યા હતા. ગરીબમાં ગરીબ દેશોનો કેટલાય લાંબા સમયથી ચાલ્યા આવતો આર્થિક વિકાસનો પડકાર હલ કરી શકાય તે માટે આજીવન ઉદારમતવાદી નેહરુ, ફેબિઅન સમાજવાદ અને જાહેર ક્ષેત્રના પણ હિમાયતી રહ્યા હતા.
ભારત જયારે સ્વતંત્ર થયું ત્યારે 15 ઑગસ્ટ 1947ના નવી દિલ્હી ખાતે સ્વતંત્ર ભારતનો ધ્વજ લહેરાવવાનું સન્માન એક માત્ર નેહરુને પ્રાપ્ત થયું હતું. નેહરુની સંસદીય લોકશાહીના ગુણો, બિનસાંપ્રદાયિકતા અને ઉદારમતવાદ તરફનું વલણ અને તેની સાથે સાથે ગરીબ અને વંચિતો માટેની ચિંતાને પરિણામે આજે પણ ભારત પર જેનો પ્રભાવ છે એવી નીતિઓ ઘડવા તેઓ પ્રેરાયા. તેમાં તેમનો વિશ્વ પ્રત્યેનો સમાજવાદી દષ્ટિકોણ પણ ડોકાતો હતો. સ્વતંત્ર ભારતની પરંપરાઓ અને માળખું ઊભું કરવામાં તેમનો લાંબો કાર્યકાળ નિમિત્ત બન્યો.કયારેક તેમને "આધુનિક ભારતના શિલ્પી" તરીકે પણ સંબોધવામાં આવે છે. તેમનાં દીકરી, ઈન્દિરા ગાંધીએ, અને તેમના પૌત્ર, રાજીવ ગાંધીએ, પણ ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી.